< ગીતશાસ્ત્ર 80 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ-એદૂથ. આસાફનું ગીત. હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!
2 ૨ એફ્રાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો; આવીને અમને બચાવો.
3 ૩ હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય.
4 ૪ હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે.
5 ૫ તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 ૬ તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.
7 ૭ હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
8 ૮ તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.
9 ૯ તમે તેને માટે જગ્યા સાફ કરી; તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 ૧૦ તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા, તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી.
11 ૧૧ તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી.
12 ૧૨ તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 ૧૩ જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.
14 ૧૪ હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 ૧૫ તમે તમારા જમણા હાથે જેને રોપી છે, જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો.
16 ૧૬ તેને કાપીને બાળવામાં આવી; તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે.
17 ૧૭ તમારા જમણા હાથના માણસ પર, એટલે જે માણસના દીકરાને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર તમારો હાથ રાખો.
18 ૧૮ એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ; અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 ૧૯ હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.