< નીતિવચનો 26 >
1 ૧ જેમ ઉનાળાંમાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી.
2 ૨ ભટકતી ચકલી અને ઊડતા અબાબીલ પક્ષીની માફક, વિનાકારણે આપેલો શાપ કોઈને માથે લાગતો નથી.
3 ૩ ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.
4 ૪ મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, રખેને તું પણ તેના જેવો ગણાય.
5 ૫ મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે.
6 ૬ જે કોઈ મૂર્ખ માણસની મારફતે સંદેશો મોકલે છે તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન વહોરે છે.
7 ૭ મૂર્ખના મુખેથી અપાતી શિખામણ પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે.
8 ૮ જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે.
9 ૯ જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખોના મુખનું દૃષ્ટાંત તેમને જ નડે છે.
10 ૧૦ ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.
11 ૧૧ જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ પોતે કરેલી ભૂલ વારંવાર કરે છે.
12 ૧૨ પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.
13 ૧૩ આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.”
14 ૧૪ જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે.
15 ૧૫ આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે.
16 ૧૬ હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.
17 ૧૭ જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
18 ૧૮ જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે,
19 ૧૯ તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે “શું હું ગમ્મત નહોતો કરતો?”
20 ૨૦ બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે.
21 ૨૧ જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે.
22 ૨૨ નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે.
23 ૨૩ કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે.
24 ૨૪ ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે.
25 ૨૫ તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે.
26 ૨૬ જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે.
27 ૨૭ જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે.
28 ૨૮ જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેઓનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યક્તિ પાયમાલી લાવે છે.