< ગણના 22 >
1 ૧ ઇઝરાયલી લોકોએ મુસાફરી કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીની બીજી બાજુએ યરીખોની પાસે છાવણી કરી.
2 ૨ ઇઝરાયલે અમોરીઓને જે કર્યું હતું તે મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે જોયું.
3 ૩ તે લોકોને જોઈને મોઆબ ડરી ગયો કેમ કે તેઓ ઘણાં હતા, ઇઝરાયલ લોકોના કારણથી મોઆબ ત્રાસ પામ્યો.
4 ૪ મોઆબ રાજાએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ખેતરમાંનું ઘાસ ખાય છે, તેમ આ સમુદાય આપણને ખાઈ જશે.” તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો.
5 ૫ તેણે બેઓરના દીકરા બલામને બોલાવવા સારુ પથોર કે જે નદી પર છે, ત્યાં એટલે તેના લોકોના દેશમાં સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “જુઓ, મિસરમાંથી એક દેશજાતિ આવી છે. તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે અને તેઓએ મારી પાસે જ પડાવ નાખ્યો છે.
6 ૬ કૃપા કરીને આવ અને મારા માટે આ રાષ્ટ્રને શાપ આપ, કેમ કે તેઓ મારા કરતાં વધારે બળવાન છે. કદાચ હું આ લોકોને હુમલો કરીને એવી રીતે મારું કે તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે અને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.”
7 ૭ મોઆબના વડીલોએ તથા મિદ્યાનના વડીલોએ જાદુમંતરની દક્ષિણા લઈને બલામ પાસે આવીને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો.
8 ૮ બલામે તેઓને કહ્યું, “આજ રાત અહીં રહો. યહોવાહ મને જે જણાવશે તે હું તમને કહીશ.” તેથી મોઆબના આગેવાનો બલામ સાથે રાત રહ્યા.
9 ૯ ઈશ્વરે બલામ પાસે આવીને પૂછ્યું, “તારી સાથે આ માણસો આવ્યા તે કોણ છે?”
10 ૧૦ બલામે ઈશ્વરને જવાબ આપ્યો, “મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે તેઓને મારી પાસે મોકલ્યા છે. તેણે કહ્યું,
11 ૧૧ ‘જુઓ, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારા માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓ સાથે યુદ્ધ કરીને તેઓને કાઢી મૂકું.’”
12 ૧૨ ઈશ્વરે બલામને કહ્યું, “તારે તે માણસો સાથે જવું નહિ. તારે ઇઝરાયલ લોકોને શાપ આપવો નહિ કેમ કે તેઓ આશીર્વાદિત છે.”
13 ૧૩ તેથી બલામે સવારે વહેલા ઊઠીને બાલાકના વડીલોને કહ્યું, “તમારા દેશમાં પાછા જાઓ કેમ કે, ઈશ્વર મને તમારી સાથે આવવાની મના કરે છે.”
14 ૧૪ તેથી મોઆબના વડીલો ત્યાંથી નીકળીને બાલાક પાસે પાછા ગયા. તેઓએ કહ્યું, “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.”
15 ૧૫ બાલાકે ફરીથી વધારે અને પહેલા સમૂહ કરતાં વધારે માનવંત વડીલોને મોકલ્યા.
16 ૧૬ તેઓએ બલામ પાસે આવીને તેને કહ્યું, “સિપ્પોરના દીકરા બાલાકે આ મુજબ કહ્યું, ‘કૃપા કરીને તને મારી પાસે આવવાથી કોઈ રોકો નહિ,
17 ૧૭ કેમ કે હું તને મોટો બદલો આપીશ અને તારો ભારે આદર કરીશ, તું મને જે કહીશ તે હું કરીશ. માટે કૃપા કરી આવ અને મારે સારુ આ લોકોને શાપ આપ.’”
18 ૧૮ બલામે બાલાકના માણસોને જવાબ આપ્યો, “જો બાલાક મહેલ ભરીને સોનું ચાંદી મને આપે તોપણ હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં મારા યહોવાહ, મારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી.
19 ૧૯ માટે હવે, કૃપા કરીને આજ રાત અહીં રોકાઈ જાઓ, કે જેથી યહોવાહે મને અગાઉ જે કહ્યું તે કરતાં બીજું શું કહે તે હું જાણી શકું.”
20 ૨૦ રાત્રે ઈશ્વરે બલામ પાસે આવીને કહ્યું, “જો આ લોકો તને બોલાવવા આવ્યા હોય, તો તું ઊઠીને તેમની સાથે જા. પણ હું તને જે કરવાનું કહું તેટલું જ તું કર.”
21 ૨૧ બલામ સવારે ઊઠીને પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના વડીલો સાથે ગયો.
22 ૨૨ પણ તે ગયો, તેથી ઈશ્વરને ક્રોધ ચઢ્યો હતો. જ્યારે બલામ ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેની સામે થવા માટે રસ્તામાં યહોવાહનો દૂત ઊભો રહ્યો, બલામના બે સેવકો પણ તેની સાથે હતા.
23 ૨૩ ગધેડીએ યહોવાહના દૂતને રસ્તામાં પોતાની તલવાર ખેંચીને ઊભેલો જોયો. તેથી ગધેડી પોતાનો રસ્તો બદલીને ખેતરમાં વળી ગઈ. બલામ ગધેડીને મારીને ફરી પછી રસ્તા પર લઈ આવ્યો.
24 ૨૪ પછી યહોવાહનો દૂત દ્રાક્ષવાડીઓની વચ્ચે રસ્તામાં ઊભો રહ્યો, તેની જમણી બાજુ અને બીજી બાજુ દીવાલ હતી.
25 ૨૫ ગધેડીએ યહોવાહના દૂતને ફરીથી જોયો. તે દીવાલ સામે ચાલી ગઈ અને બલામનો પગ દીવાલની સાથે પછડાયો. બલામે તેને ફરી મારી.
26 ૨૬ યહોવાહનો દૂત આગળ ગયો, બીજી સાંકડી જગ્યા જ્યાં ગધેડીને ડાબે કે જમણે ફરવાનો કોઈ રસ્તો ન હતો ત્યાં ઊભો રહ્યો.
27 ૨૭ ગધેડી યહોવાહના દૂતને જોઈને બલામ સાથે નીચે બેસી પડી. બલામને ગુસ્સો આવ્યો અને તેણે ગધેડીને લાકડીથી મારી.
28 ૨૮ પછી યહોવાહે ગધેડીનું મુખ ખોલ્યું કે તે વાત કરી શકે. તેણે બલામને કહ્યું, “મેં તને શું કર્યું છે કે તેં મને ત્રણ વખત મારી?”
29 ૨૯ બલામે ગધેડીને જવાબ આપ્યો, “તે એટલા માટે, કેમ કે તેં મારી સાથે મૂર્ખતાભર્યું કામ કર્યું છે. જો મારા હાથમાં તલવાર હોત તો સારું. જો હોત તો, હમણાં જ હું તને મારી નાખત.”
30 ૩૦ ગધેડીએ બલામને પૂછ્યું, “શું હું તારી ગધેડી નથી? જેના પર તેં તારા પૂરા જીવનથી આજ સુધી સવારી કરી છે. તારી આગળ આવું કરવાની મને ક્યારેય આદત હતી?” બલામે કહ્યું, “ના.”
31 ૩૧ પછી યહોવાહે બલામની આંખો ખોલી, તેણે યહોવાહના દૂતને પોતાની તલવાર હાથમાં લઈને રસ્તાની વચ્ચે ઊભેલો જોયો. બલામે માથું નમાવીને તેને સાષ્ટાંગ દંડ્વત પ્રણામ કર્યા.
32 ૩૨ યહોવાહના દૂતે તેને કહ્યું, “તેં આ ગધેડીને ત્રણ વખત શા માટે મારી છે? જો, હું તારી આગળ શત્રુ તરીકે ઊભો રહ્યો કેમ કે મારી આગળ તારા કામો દુષ્ટ હતાં.
33 ૩૩ ગધેડીએ મને જોયો એટલે તે ત્રણ વાર મારાથી દૂર ખસી ગઈ. જો તે ખસી ગઈ ના હોત તો મેં તને મારી નાખ્યો હોત અને ગધેડીનો જીવ બચાવ્યો હોત.”
34 ૩૪ બલામે યહોવાહના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે. હું જાણતો ન હતો કે તું માર્ગમાં મારી સામે ઊભો છે. તો હવે, જો આ સફરથી તું નારાજ થયો છે, તો જ્યાંથી હું આવ્યો છું ત્યાં હું પાછો જઈશ.”
35 ૩૫ પણ યહોવાહના દૂતે બલામને કહ્યું, “આ માણસોની સાથે જા. પણ જે વાત હું તને કહું તે જ તારે કહેવી.” તેથી બલામ બાલાકના વડીલો સાથે ગયો.
36 ૩૬ બાલાક રાજાએ જયારે સાંભળ્યું કે બલામ આવ્યો છે, ત્યારે તે તેને મળવા માટે મોઆબનું નગર જે આર્નોનની સરહદ પર આવેલું છે ત્યાં ગયો.
37 ૩૭ બાલાકે બલામને કહ્યું, “મેં તને બોલાવવા માણસો નહોતા મોકલ્યા? શા માટે તું મારી પાસે આવ્યો નહિ? શું હું તારો આદર કરવા સમર્થ ન હતો.”
38 ૩૮ ત્યારે બલામે બાલાકને જવાબ આપ્યો, “જો, હું તારી પાસે આવ્યો છું. શું મને કંઈ બોલવાનો અધિકાર છે? જે વચનો ઈશ્વરે મારા મુખમાં મૂક્યાં છે ફક્ત તે જ હું બોલીશ.”
39 ૩૯ બલામ બાલાક સાથે ગયો અને તેઓ કિર્યાથ-હુસોથ આવ્યા.
40 ૪૦ પછી બાલાકે બળદો તથા ઘેટાંનો યજ્ઞ કર્યો અને તેણે બલામ તથા તેની સાથેના વડીલોને તેમાંથી થોડું માંસ આપ્યું.
41 ૪૧ અને સવારે, બાલાક બલામને બઆલના ઉચ્ચસ્થાનોમાં લઈ ગયો. ત્યાંથી બલામ ઇઝરાયલીઓની છાવણીનો એક ભાગ જોઈ શકતો હતો.