< માથ્થી 24 >
1 ૧ ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા.
2 ૨ ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “શું તમે એ બધા નથી જોતાં? હું તમને નિશ્ચે કહું છું કે, આ બધું તોડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”
3 ૩ પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” (aiōn )
4 ૪ ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો.
5 ૫ કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.
6 ૬ યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.
7 ૭ કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે.
8 ૮ પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.
9 ૯ ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.
10 ૧૦ અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે.
11 ૧૧ ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.
12 ૧૨ દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.
13 ૧૩ પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.
14 ૧૪ સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.
15 ૧૫ માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે),
16 ૧૬ ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય,
17 ૧૭ અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે,
18 ૧૮ અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે.
19 ૧૯ તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે!
20 ૨૦ પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.
21 ૨૧ કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.
22 ૨૨ જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.
23 ૨૩ ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ.
24 ૨૪ કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.
25 ૨૫ જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.
26 ૨૬ એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ.
27 ૨૭ કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.
28 ૨૮ જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.
29 ૨૯ તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.
30 ૩૦ પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે.
31 ૩૧ રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
32 ૩૨ હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
33 ૩૩ એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે.
34 ૩૪ હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
35 ૩૫ આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
36 ૩૬ પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.
37 ૩૭ જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.
38 ૩૮ કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા;
39 ૩૯ અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
40 ૪૦ તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે.
41 ૪૧ બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
42 ૪૨ માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.
43 ૪૩ પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.
44 ૪૪ એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.
45 ૪૫ તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?
46 ૪૬ જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે.
47 ૪૭ હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.
48 ૪૮ પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’
49 ૪૯ અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;
50 ૫૦ તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે.
51 ૫૧ તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.