< માથ્થી 2 >
1 ૧ હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, જ્ઞાની માણસોએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે,
2 ૨ “જે બાળક જેનો જન્મ થયો છે, જે યહૂદીઓના રાજા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ.”
3 ૩ એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.
4 ૪ ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, “ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?”
5 ૫ તેઓએ તેને જવાબ આપ્યો કે, “યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે,
6 ૬ ‘ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે.’”
7 ૭ ત્યારે હેરોદ રાજાએ તે જ્ઞાનીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી.
8 ૮ તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, “તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને જયારે તમને મળશે ત્યાર પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તે બાળકનું ભજન કરું.”
9 ૯ તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળક હતો તે જગ્યા પર આવીને અટકી ગયો.
10 ૧૦ તેઓ તારાને જોઈને ઘણા આનંદથી હરખાયા.
11 ૧૧ ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેમને નજરાણું કર્યું.
12 ૧૨ હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.
13 ૧૩ તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, “ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેની શોધ કરવાનો છે.”
14 ૧૪ તે રાત્રે યૂસફ ઊઠીને બાળક તથા તેની માને લઈને મિસરમાં ગયો.
15 ૧૫ અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, “મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.”
16 ૧૬ જયારે હેરોદને માલૂમ પડ્યું કે જ્ઞાનીઓએ તેને છેતર્યો છે, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે જ્ઞાનીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના આસપાસના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.
17 ૧૭ ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે,
18 ૧૮ “રામાની સ્ત્રીઓ રુદન તથા મોટા વિલાપ કરે છે. એટલે તે સ્ત્રીઓની પૂર્વજ રાહેલ પોતાનાં બાળકો માટે રડે છે પણ દિલાસો પામવા ઇચ્છતી નહોતી, કેમ કે તેના સંતાન રહ્યાં ન હતા.”
19 ૧૯ હેરોદના મરણ પછી, પ્રભુના સ્વર્ગદૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં આવીને કહ્યું કે,
20 ૨૦ “ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા કેમ કે જેઓ બાળકનો જીવ લેવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.”
21 ૨૧ ત્યારે યૂસફ બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો.
22 ૨૨ પણ આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતા ગભરાયો. તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો
23 ૨૩ અને નાસરેથ નામના નગરમાં આવીને રહ્યો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલું પૂરું થાય કે તે નાઝીરી કહેવાશે.