< માથ્થી 12 >
1 ૧ તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા.
2 ૨ ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, “જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.”
3 ૩ પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?
4 ૪ તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.
5 ૫ અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે?
6 ૬ પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.
7 ૭ વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.
8 ૮ કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”
9 ૯ ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.
10 ૧૦ ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”
11 ૧૧ ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે?
12 ૧૨ તો માણસ ઘેટાં કરતાં કેટલું મૂલ્યવાન છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
13 ૧૩ ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, “તારો હાથ લાંબો કર.” તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો.
14 ૧૪ ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.
15 ૧૫ પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા, અને તેમણે બધાને સાજાં કર્યા.
16 ૧૬ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ’,
17 ૧૭ એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
18 ૧૮ “જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધી જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે.
19 ૧૯ તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે.
20 ૨૦ જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે.
21 ૨૧ બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”
22 ૨૨ ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો.
23 ૨૩ સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “શું આ દાઉદનો દીકરો હોઈ શકે?”
24 ૨૪ પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, “દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે.”
25 ૨૫ ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, “દરેક રાજ્ય જે ભાગલા પાડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પાડે, તે સ્થિર નહિ રહેશે.
26 ૨૬ જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે?
27 ૨૭ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.
28 ૨૮ પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.
29 ૨૯ વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.
30 ૩૦ જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.
31 ૩૧ એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે.
32 ૩૨ માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ. (aiōn )
33 ૩૩ ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે.
34 ૩૪ ઓ ઝેરી સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે.
35 ૩૫ સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે.
36 ૩૬ વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.
37 ૩૭ કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.”
38 ૩૮ ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ ઉપદેશક, અમે તમારી પાસેથી ચમત્કારિક ચિહ્ન જોવા ચાહીએ છીએ.”
39 ૩૯ પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, “દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂના પ્રબોધકનાં ચમત્કારિક ચિહ્ન સિવાય કોઈ ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ.
40 ૪૦ કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે.
41 ૪૧ ન્યાયકાળે નિનવેહના માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભા રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
42 ૪૨ દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
43 ૪૩ જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો.
44 ૪૪ ત્યારે તે કહે છે કે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ;’ અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું ખાલી તથા શોભાયમાન કરેલું હોય છે.
45 ૪૫ પછી તે જઈને પોતા કરતાં વધારે દુષ્ટ એવા સાત દુષ્ટાત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.”
46 ૪૬ ઈસુ લોકોને હજુ વાત કહેતાં હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભા હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતા હતાં.
47 ૪૭ ત્યારે કોઈએ તેમને કહ્યું કે, “જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે.”
48 ૪૮ પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, “મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?”
49 ૪૯ તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, “જુઓ મારી મા તથા મારા ભાઈઓ!
50 ૫૦ કેમ કે મારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે.”