< અયૂબ 24 >
1 ૧ સર્વશક્તિમાન ઈશ્વરે સમયો કેમ નિશ્ચિત કર્યા નથી? જેઓ તેમને જાણે છે તેઓ તેમના દિવસો કેમ જોતા નથી?
2 ૨ ખેતરની હદને ખસેડનાર લોક તો છે; તેઓ જુલમથી ટોળાંને ચોરી જઈને તેમને ચરાવે છે.
3 ૩ તેઓ અનાથોના ગધેડાઓને ચોરી જાય છે; અને વિધવાના બળદોને ગીરે મૂકવા માટે લઈ લે છે.
4 ૪ તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે. અને બધા ગરીબ લોક ભેગા થઈને છુપાઈ જાય છે.
5 ૫ જુઓ, અરણ્યનાં જંગલી ગધેડાની જેમ, તેઓ પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાકની શોધ કરે છે; અરણ્ય તેઓના સંતાનો માટે ખોરાક આપે છે.
6 ૬ ગરીબ બીજાના ખેતરમાં મોડી રાત સુધી ખોરાક શોધે છે; અને દુષ્ટની દ્રાક્ષોનો સળો વીણે છે.
7 ૭ તેઓ આખીરાત વસ્ત્ર વિના ઉઘાડા સૂઈ રહે છે, અને ઠંડીમાં ઓઢવાને તેમની પાસે કશું નથી.
8 ૮ પર્વતો પર પડતાં ઝાપટાંથી તેઓ પલળે છે, અને ઓથ ન હોવાથી તેઓ ખડકને બાથ ભીડે છે.
9 ૯ અનાથ બાળકોને માતાના ખોળામાંથી ઉપાડી લેવામાં આવે છે. તથા ગરીબોના અંગ પરનાં વસ્ત્ર ગીરે લેનારા પણ છે.
10 ૧૦ તેઓને વસ્ત્ર વિના ફરવું પડે છે; તેઓ જથ્થાબંધ અનાજ દુષ્ટ લોકો માટે ઊંચકે છે, છતાં પણ તેઓ ભૂખ્યા રહે છે.
11 ૧૧ તેઓ આ માણસોના ઘરોમાં તેલ પીલે છે, અને દ્રાક્ષકુંડોમાં દ્રાક્ષ પીલે છે અને તરસ્યા જ રહે છે.
12 ૧૨ ઘણી વસ્તીવાળા નગરોમાંથી માણસો શોક કરે છે; ઘાયલોના આત્મા બૂમ પાડે છે, તે છતાં ઈશ્વર તેઓના પ્રાર્થના સાંભળતા નથી.
13 ૧૩ તેવો અજવાળા વિરુદ્ધ બળવો કરે છે; તેઓ તેનો માર્ગ જાણતા નથી અને તેમના માર્ગમાં ટકી રહેતા નથી.
14 ૧૪ ખૂની માણસ અજવાળું થતાં જાગીને ગરીબો અને દરિદ્રીને મારી નાખે છે. અને રાત પડે ત્યારે તે ચોર જેવો હોય છે.
15 ૧૫ જે વ્યક્તિ વ્યભિચાર કરે છે, તે સાંજ થવાની રાહ જુએ છે; તે એમ કહે છે કે, ‘કોઈ મને જોશે નહિ.’ તે તેનું મોં ઢાંકે છે.
16 ૧૬ રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ચોરી કરે છે; પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં બારણાં બંધ કરીને પુરાઈ રહે છે; તેઓ અજવાળું જોવા માંગતા નથી.
17 ૧૭ કેમ કે સવાર તો તેઓને અંધકાર સમાન લાગે છે; કેમ કે તેઓ અંધકારનો ત્રાસ જાણે છે.
18 ૧૮ દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે; પૃથ્વી ઉપર તેઓનું વતન શાપિત થયેલું છે. તે દ્રાક્ષવાડીમાં ફરી જવા પામતો નથી.
19 ૧૯ અનાવૃષ્ટિ તથા ગરમી બરફના પાણીને શોષી લે છે; તેમ શેઓલ પાપીઓને શોષી લે છે. (Sheol )
20 ૨૦ જે ગર્ભે તેને રાખ્યો તે તેને ભૂલી જશે; કીડો મજાથી તેનું ભક્ષણ કરશે, તેને કોઈ યાદ નહિ કરે, આ રીતે, અનીતિને સડેલા વૃક્ષની જેમ ભાંગી નાખવામાં આવશે.
21 ૨૧ નિ: સંતાન સ્ત્રીઓને તે સતાવે છે. તે વિધવાઓને સહાય કરતો નથી.
22 ૨૨ તે પોતાના બળથી શક્તિશાળી માણસોને પણ નમાવે છે; તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી ત્યારે પણ તેઓ પાછા ઊઠે છે.
23 ૨૩ હા, ઈશ્વર તેઓને નિર્ભય સ્થિતિ આપે છે. અને તે પર તેઓ આધાર રાખે છે; તેમની નજર તેઓના માર્ગો ઉપર છે.
24 ૨૪ થોડા સમય માટે દુષ્ટ માણસ ઉચ્ચ સ્થાને ચઢે છે પણ થોડી મુદત પછી તે નષ્ટ થાય છે; હા, તેઓને અધમ સ્તિથિમાં લાવવામાં આવે છે; બીજા બધાની જેમ તે મરી જાય છે; અનાજના કણસલાંની જેમ તે કપાઈ જાય છે.
25 ૨૫ જો એવું ના હોય તો મને જૂઠો પાડનાર; તથા મારી વાતને વ્યર્થ ગણનાર કોણ છે?”