< અયૂબ 20 >
1 ૧ ત્યારે સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું,
2 ૨ “મારા વિચારો મને ઉત્તર આપવાને સૂચવે છે. ચિંતાને લીધે હું અધીરો બની ગયો છું.
3 ૩ મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.
4 ૪ શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી,
5 ૫ દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા અધર્મીઓનો આનંદ ક્ષણિક છે?
6 ૬ તેનો યશ આકાશ સુધી પહોંચે, અને તેનું મસ્તક આભ સુધી પહોંચે,
7 ૭ તોપણ તે પોતાની જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે, ‘તે ક્યાં છે?’
8 ૮ સ્વપ્નની જેમ તે ઊડી જશે અને તેનો પત્તો લાગશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઈ જશે.
9 ૯ જેણે તેને જોયો છે તે તને ફરી કદી જોઈ શકશે નહિ. તેનું સ્થળ તેને ક્યારેય જોવા પામશે નહિ.
10 ૧૦ તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે, અને તેના હાથો તેનું ધન પાછું આપશે.
11 ૧૧ તેનામાં યુવાનીનું જોર છે. પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.
12 ૧૨ જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે. જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે.
13 ૧૩ જો કે તે તેને પાછી રાખીને જવા ન દે, પણ પોતાના મોમાં જ રાખી મૂકે છે.
14 ૧૪ પરંતુ ખોરાક તેના પેટમાં કડવો થઈ ગયો છે; તે તેની અંદર સાપના ઝેર સમાન થઈ ગયો છે.
15 ૧૫ તે જે ધનસંપતિ ગળી ગયો છે તે તેણે ઓકી નાખવી પડશે; ઈશ્વર તેના પેટમાંથી તેને ઓકી કઢાવશે.
16 ૧૬ તે સર્પનું ઝેર ચૂસશે; નાગનો ડંખ તેને મારી નાખશે.
17 ૧૭ તે નદીઓ, માખણ તથા મધની વહેતી ધારાઓ જોવા પામશે નહિ.
18 ૧૮ જેને માટે તેણે મહેનત કરી હશે; તે તેને પાછું આપવું પડશે; અને તે તેને ભોગવવા પામશે નહિ; તે જે ધનસંપત્તિ કમાયો હશે તેથી તેને આનંદ થશે નહિ.
19 ૧૯ કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે, તથા તેઓને તરછોડ્યા છે, તેણે જે ઘર બાંધ્યું નહોતું તે તેણે જુલમથી લઈ લીધું છે.
20 ૨૦ તેના મનમાં કંઈ શાંતિ નહોતી, માટે જેમાં તે આનંદ માને છે તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહિ.
21 ૨૧ તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નથી; તેની સફળતા ટકશે નહીં.
22 ૨૨ તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે, દરેક દુઃખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે.
23 ૨૩ જ્યારે તેનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં, ઈશ્વરનો ક્રોધ તેના પર ઊતરશે; તે ખાતો હશે એટલામાં તેના પર તે કોપ વરસાવશે.
24 ૨૪ જો કે લોઢાના શસ્ત્રથી તે ભાગશે, તો પિત્તળનું બાણ એને વીંધી નાખશે.
25 ૨૫ તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે; અને પીઠમાંથી ભોંકાઈને બહાર આવશે; તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તેના પર ભય આવી પડશે.
26 ૨૬ તેના ખજાનાની જગ્યાએ કેવળ અંધકાર તેને માટે રાખી મૂક્યો છે. પ્રચંડ અગ્નિ કે જેને કોઈ માનવે સળગાવ્યો નથી તે તેને ભસ્મીભૂત કરી નાખશે.
27 ૨૭ આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે, પૃથ્વી તેની વિરુદ્ધ સાક્ષી પૂરશે.
28 ૨૮ તેના ઘરની સંપત્તિ નાશ પામશે, તે ઈશ્વરના કોપને દિવસે વહી જશે.
29 ૨૯ દુષ્ટ લોકોને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો, તથા ઈશ્વરે તને ઠરાવી આપેલું વતન આ જ છે.”