< યશાયા 39 >
1 ૧ તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્રો લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડ્યો હતો, પણ હવે સાજો થયો છે.
2 ૨ હિઝકિયા તેને લીધે ખુશ થયો, તેણે સંદેશવાહકોને પોતાનો ભંડાર, એટલે સોનુંચાંદી, સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન તેલ, તમામ શસ્ત્રાગાર તથા તેના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેઓને બતાવ્યું. તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.
3 ૩ ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછ્યું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.”
4 ૪ યશાયાએ પૂછ્યું, “તેઓએ તારા મહેલમાં શું શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે. મારા ભંડારોમાં એવી એક પણ વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ના હોય.”
5 ૫ ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાહનું વચન સાંભળ:
6 ૬ ‘જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે, તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ, બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાહ કહે છે.
7 ૭ તારા દીકરાઓ કે જે તારાથી ઉત્પન્ન થશે, જેઓને જન્મ અપાશે, તેઓને તેઓ લઈ જશે; અને તેઓ બાબિલના રાજાના મહેલમાં રાણીવાસના સેવકો થશે.”
8 ૮ ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાહનાં જે વચનો તમે બોલ્યા છો, તે સારાં છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “મારા દિવસોમાં તો શાંતિ તથા સત્યતા રહેશે.”