< ઊત્પત્તિ 42 >
1 ૧ હવે યાકૂબના જાણવામાં આવ્યું કે મિસરમાં અનાજ મળે છે. તેથી તેણે તેના દીકરાઓને કહ્યું, “તમે એકબીજા સામે જોતા કેમ ઊભા છો?”
2 ૨ મારા સાંભળવામાં આવ્યું છે કે, “મિસરમાં અનાજ ઉપલબ્ધ છે. ત્યાં જાઓ અને ત્યાંથી આપણે સારુ અનાજ વેચાતું લાવો કે આપણે ખાઈને મરણથી બચીએ અને જીવતા રહીએ.”
3 ૩ યૂસફના દસ ભાઈઓ અનાજ ખરીદવાને મિસરમાં ગયા.
4 ૪ પણ તેઓની સાથે યૂસફના ભાઈ બિન્યામીનને યાકૂબે મોકલ્યો નહિ, કેમ કે તેણે કહ્યું, “કદાચને તેના પર કંઈ વિઘ્ન આવી પડે.”
5 ૫ બીજા લોકો કે જેઓ અનાજ વેચાતું લેવા આવેલા હતા તેઓની સાથે ઇઝરાયલના દીકરા પણ અનાજ માટે આવ્યા હતા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો.
6 ૬ અહીં મિસર દેશનો અધિપતિ યૂસફ હતો. દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. યૂસફના ભાઈઓ આવ્યા અને તેઓએ જમીન સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
7 ૭ યૂસફે પોતાના ભાઈઓને જોયાં. તેઓને ઓળખ્યા, પણ તે જાણે તેઓને ઓળખતો ન હોય તેમ તેઓની સાથે વર્ત્યો. તેણે તેઓની સાથે કઠોરતાથી વાત કરીને પૂછ્યું, “તમે ક્યાંથી આવ્યા છો? “તેઓએ કહ્યું, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવાને આવ્યા છીએ.
8 ૮ યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.
9 ૯ યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં હતાં તે યાદ આવ્યાં. તેણે તેઓને કહ્યું, “તમે જાસૂસ છે. અનાજને બહાને જાસૂસી કરવા આવ્યા છો.”
10 ૧૦ તેઓએ તેને કહ્યું, “ના, મારા માલિક, તારા દાસો અનાજ વેચાતું લેવાને આવ્યા છે.
11 ૧૧ અમે સર્વ એક માણસના દીકરાઓ છીએ. અમે પ્રમાણિક પુરુષો છીએ. જાસૂસો નથી.”
12 ૧૨ પણ યૂસફે તેઓને કહ્યું, “ના, તમે તો દેશની જાસૂસી માટે આવ્યા છો.”
13 ૧૩ તેઓ બોલ્યા, “અમે તારા દાસો બાર ભાઈઓ છીએ, કનાન દેશના એક માણસના દીકરા છીએ. જુઓ, નાનો ભાઈ અમારા પિતાની પાસે છે અને એક ભાઈનો તો પત્તો નથી.”
14 ૧૪ યૂસફે તેઓને કહ્યું, “જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો, એ વાત ખરી છે.
15 ૧૫ તેથી તમારી તપાસ કરવામાં આવશે. ફારુનના જીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમને અહીંથી જવા દેવામાં આવશે નહિ.
16 ૧૬ તમે તમારામાંથી એકને મોકલો. તે તમારા ભાઈને લઈને અહીં આવે. તમને કેદમાં રાખવામાં આવશે. તમારી વાતની ખાતરી કરાશે કે તમે સાચું બોલો છો કે નહિ. હું તો ફારુનના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો.”
17 ૧૭ તેણે તેઓને ત્રણ દિવસ સુધી કેદમાં પૂરી રાખ્યા.
18 ૧૮ ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે એક કામ કરો અને જીવતા રહો. કેમ કે હું ઈશ્વરથી ડરું છું.
19 ૧૯ જો તમે પ્રમાણિક અને સાચા પુરુષો હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ અને દુકાળને લીધે તમારા ઘર માટે અનાજ લઈ જાઓ.
20 ૨૦ તમારા નાના ભાઈને મારી પાસે લાવો. જેથી તમારી વાત સાચી ઠરશે અને તમે મરણને પાત્ર થશો નહિ.” તેથી તેઓએ એમ જ કર્યું.
21 ૨૧ તેઓએ એકબીજાને કહ્યું, “નિશ્ચે આપણે આપણા ભાઈ સંબંધી અપરાધી છીએ, કેમ કે જયારે તેણે કાલાવાલા કર્યા ત્યારે આપણે તેની પીડા જોઈ, પણ તેનું સાંભળ્યું નહિ. તેથી આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”
22 ૨૨ રુબેને તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમને કહ્યું ન હતું, ‘આ છોકરા સંબંધી તમે પાપ ન કરો?’ પણ તમે માન્યું નહિ. હવે તેના લોહીનો બદલો લેવામાં આવે છે.”
23 ૨૩ તેઓ જાણતા ન હતા કે યૂસફ તેમની વાત સમજે છે, કેમ કે તેઓની અને યૂસફની વચ્ચે દુભાષિયા મારફતે વાતચીત થતી હતી.
24 ૨૪ યૂસફ તેના ભાઈઓની પાસેથી દૂર જઈને રડી પડ્યો. તેણે તેઓની પાસે પાછા આવીને વાત કરી. તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો.
25 ૨૫ પછી યૂસફે તેના ચાકરોને આજ્ઞા આપી કે તેઓની ગૂણોમાં અનાજ ભરો, દરેક માણસે ચૂકવેલાં નાણાં તેમની ગૂણમાં પાછાં મૂકો તથા તેઓની મુસાફરીને માટે ખાધસામગ્રી આપો. ચાકરોએ યૂસફની સૂચના પ્રમાણે કર્યું.
26 ૨૬ તેઓ તેમનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી ઘરે જવા રવાના થયા.
27 ૨૭ રસ્તામાં રાતવાસો કર્યો ત્યારે એક ભાઈએ પોતાનાં ગધેડાંને દાણા ખવડાવવાને તેની ગૂણ છોડી, ત્યારે તેણે તેમાં પોતાનાં નાણાં જોયાં. તે તેની ગૂણમાં મૂકેલા હતાં.
28 ૨૮ તેણે તેના ભાઈઓને કહ્યું, “મારાં નાણાં મને પાછાં મળ્યાં છે. તે મારી ગૂણમાં હતાં.” તેઓનાં મન ગભરાયા અને તેઓ ભયભીત થયા. તેઓએ કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?”
29 ૨૯ તેઓ કનાન દેશમાં તેઓના પિતા યાકૂબ પાસે આવ્યા. તેઓની સાથે જે બન્યું હતું તે બધી બાબતની વાત પિતા સમક્ષ કરતાં તેઓએ કહ્યું,
30 ૩૦ “જે માણસ તે દેશનો માલિક છે તે અમારી સાથે કઠોરતાથી વર્ત્યો અને અમને દેશના જાસૂસ ગણ્યા.
31 ૩૧ અમે તેને કહ્યું, ‘અમે પ્રામાણિક માણસો છીએ. અમે જાસૂસ નથી.
32 ૩૨ અમે બાર ભાઈઓ, અમારા પિતાના દીકરા છીએ. એકનો તો પત્તો નથી અને નાનો અમારા પિતાની પાસે હમણાં કનાન દેશમાં છે”
33 ૩૩ તે માણસે એટલે દેશના માલિકે અમને કહ્યું, ‘તમે પ્રામાણિક માણસો છો એની ખાતરી માટે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો. તમે તમારા ભૂખે મરતા કુટુંબને માટે અનાજ લઈને જાઓ.
34 ૩૪ તમે તમારા નાના ભાઈને મારી પાસે લઈ આવો. તેથી હું જાણીશ કે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છો. પછી હું તમારા ભાઈને મુક્ત કરીને તમને પાછો આપીશ અને તમને આ દેશમાં વેપાર કરવા દઈશ એટલે શિમયોનને ત્યાં રહેવા દેવો પડ્યો છે.’”
35 ૩૫ તેઓ પોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, દરેક માણસના નાણાંની થેલી તેની ગૂણમાં હતી. જયારે તેઓએ તથા તેઓના પિતાએ તેઓનાં નાણાંની થેલીઓ જોઈ ત્યારે તેઓ ખૂબ ગભરાયા.
36 ૩૬ તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, “ઓ મારા દીકરાઓ, તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ રહ્યો નથી, શિમયોન મિસરમાં છે અને તમે બિન્યામીનને લઈ જવા બધું જ મારી વિરુદ્ધ થાય છે.”
37 ૩૭ રુબેને તેના પિતાને કહ્યું, “જો હું બિન્યામીનને તારી પાસે પાછો ન લાવું તો તું મારા બે દીકરાને મારી નાખજે. તેને મારા હાથમાં સોંપ અને હું તેને તારી પાસે પાછો લાવીશ.”
38 ૩૮ યાકૂબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે. કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહ્યો છે. જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે, તો તમારાથી મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મરણ થાય, તમે એવું કરવા ઇચ્છો છો.” (Sheol )