< એસ્તેર 7 >
1 ૧ રાજા તથા હામાન એસ્તેર રાણીએ તૈયાર કરેલી મિજબાનીમાં આવ્યા.
2 ૨ બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું; “એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? અર્ધા રાજ્ય સુધી તે મંજૂર થશે.”
3 ૩ ત્યારે એસ્તેર રાણીએ કહ્યું, “હે રાજા જો મારા પર આપની કૃપાદ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય, તો મને જીવતદાન આપો એ મારી અરજ છે અને મને મારા લોક આપો તેઓને જીવતા રહેવા દો. એટલી મારી વિનંતી છે.
4 ૪ કારણ કે અમે એટલે હું તથા મારા લોક, મારી નંખાવા માટે અને કતલ થઈ જવા માટે વેચાયાં છીએ જો અમને ફક્ત ગુલામ તથા ગુલામડીઓ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઈ પણ માગ્યું ન હોત, પણ જે ખલેલ રાજાને થશે તેને સરખામણીમાં અમારું દુઃખ કંઈ વિસાતમાં નથી.”
5 ૫ ત્યારે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછ્યું જેણે આવું કરવાની હીંમત ધરી છે, તે કોણ છે અને તે ક્યાં છે?”
6 ૬ એસ્તેરે કહ્યું, “તે વેરી તથા વિરોધી તો આ દુષ્ટ હામાન જ છે” આ સાંભળીને રાજા અને રાણીની સામે હામાન ગભરાયો.
7 ૭ રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને રાજમહેલના બગીચામાં ગયો. હામાન પોતાનો જીવ બચાવવા એસ્તેર રાણીને વિનંતી કરવા ઊભો રહ્યો. કેમ કે તે સમજી ગયો હતો કે મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે.
8 ૮ જ્યારે રાજા મહેલના બગીચામાં મદ્યપાન કરવાની જગ્યાએ પાછો આવ્યો, ત્યારે જે પલંગ પર એસ્તેર સૂતી હતી તે પર હામાન પડી રહ્યો હતો. રાજાએ કહ્યું “શું મારા મહેલમાં મારા દેખતાં જ હામાન રાણી પર બળાત્કાર કરશે?” રાજાના મુખમાંથી આ શબ્દો નીકળતાં જ રાજાના સેવકોએ હામાનનો ચહેરો ઢાંકી દીધો.
9 ૯ જે ખોજાઓ રાજાની હજૂરમાં તે વખતે હાજર હતા, તેઓમાંના એક, જેનું નામ હાર્બોના હતું તેને રાજાએ કહ્યું કે, “મોર્દખાય જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે તેને જ માટે પચાસ હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે. તે તેના ઘરમાં ઊભી કરેલી છે. “હામાનને તેના પર ફાંસી આપો.”
10 ૧૦ એટલે હામાનને પોતાને મોર્દખાયને માટે તૈયાર કરેલી ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યો. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.