< એફેસીઓને પત્ર 6 >
1 ૧ બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે.
2 ૨ તારા માતાપિતાનું સન્માન કર. તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે,
3 ૩ ‘એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.’”
4 ૪ વળી પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.
5 ૫ દાસો સેવકો, જેમ તમે ખ્રિસ્તને આધીન થાઓ છો તેમ પૃથ્વી પરના જેઓ તમારા માલિકો છે તેઓને આદર સાથે નિખાલસ મનથી આધીન થાઓ;
6 ૬ માણસોને પ્રસન્ન કરનારાઓની જેમ દેખરેખ હોય ત્યાં સુધી જ મન વગરનું કામ કરનારની રીતે નહિ, પણ ખ્રિસ્તનાં સેવકોની જેમ, જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરો,
7 ૭ માણસોની નહિ, પણ જાણે તે પ્રભુની સેવા હોય તેમ સંતોષથી કરો;
8 ૮ જે કોઈ કંઈ સારું કરશે, તે દાસ હોય કે સ્વતંત્ર હોય, પણ પ્રભુ તેને તે જ પ્રમાણે બદલો આપશે, એમ સમજો.
9 ૯ વળી માલિકો, તમે દાસોની સાથે એમ જ વર્તો, ધમકાવવાનું છોડી દો, અને જાણો કે તેઓનો તથા તમારો પણ એક જ માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે પક્ષપાત નથી.
10 ૧૦ અંતે, મારા પ્રિય ભાઈઓ, પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિવાન થાઓ.
11 ૧૧ શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.
12 ૧૨ કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે. (aiōn )
13 ૧૩ એ માટે તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો ધારણ કરો કે, તમે ખરાબ દિવસે સામનો કરી શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.
14 ૧૪ તેથી સત્યથી તમારી કમર બાંધીને, ન્યાયીપણાનું બખતર ધારણ કરીને
15 ૧૫ તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી પગરખાં પહેરીને, ઊભા રહો.
16 ૧૬ સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા બાણ બુઝાવી શકો.
17 ૧૭ અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.
18 ૧૮ પવિત્ર આત્મામાં સર્વ પ્રકારે સતત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સર્વ સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.
19 ૧૯ અને મારે માટે પણ પ્રાર્થના કરો કે, જે સુવાર્તાને સારુ હું સાંકળોથી બંધાયેલો એલચી છું, તેનો મર્મ જણાવવાંને મને મારું મુખ ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે;
20 ૨૦ અને જેમ બોલવું ઘટિત છે, તેમ હિંમત પૂર્વક હું બોલી શકું.
21 ૨૧ વળી મારી બાબતના સમાચાર અને મારી સ્થિતિ કેવી છે તે તમે પણ જાણો માટે તુખિકસ જે પ્રભુમાં મારો પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક છે તે તમને સર્વ માહિતી આપશે.
22 ૨૨ તમે અમારી પરિસ્થિતિ જાણો અને તે તમારાં હૃદયોને દિલાસો આપે, તેટલાં જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.
23 ૨૩ ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભાઈઓને શાંતિ તથા વિશ્વાસસહિતનો પ્રેમ બક્ષો.
24 ૨૪ જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખે છે તેઓ સર્વ પર કૃપા હો. આમીન.