< પુનર્નિયમ 9 >
1 ૧ હે ઇઝરાયલ સાંભળ; તારા કરતાં મહાન અને શક્તિશાળી દેશજાતિઓનું મોટાં તથા ગગનચુંબી કોટવાળાં નગરોનું વતન પ્રાપ્ત કરવા સારુ તું આજે યર્દન નદી પાર ઊતરવાનો છે,
2 ૨ એ લોકો કદાવર અને બળવાન છે. તેઓ અનાકીઓના દીકરાઓ છે. જેઓને તું સારી રીતે ઓળખે છે. તેઓ વિશેની અફવા પણ તેં સાંભળી છે કે અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?
3 ૩ માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિરૂપે તમારી આગળ પેલે પાર જનાર તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે એ લોકોનો નાશ કરશે. અને તે તેઓને નીચા પાડશે; અને યહોવાહના વચન અનુસાર તમે તેઓને કાઢી મૂકશો તેમ જ જલ્દી તેઓનો નાશ કરશો.
4 ૪ યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી હાંકી કાઢે ત્યારે તમે મનમાં એમ ન કહેતા કે, મારા ન્યાયીપણાને લીધે યહોવાહે મને અહીં લાવીને આ દેશનો વારસો અપાવ્યો છે; ખરું જોતાં તો એ લોકોની દુષ્ટતાને લીધે યહોવાહ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.
5 ૫ તમારા ન્યાયીપણાને લીધે કે તમારા અંત: કરણના પ્રમાણિકપણાને લીધે તમે તેઓના દેશનું વતન પામવાને જાઓ છો એમ તો નહિ; પણ એ લોકોની દુષ્ટતાને લીધે તથા જે વચન યહોવાહે સમ ખાઈને તમારા પિતૃઓને એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપ્યું હતું તે પૂર્ણ કરવા માટે યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી નસાડી મૂકે છે.
6 ૬ એ માટે નક્કી જાણ કે તારા ન્યાયીપણાને લીધે યહોવાહ તારા ઈશ્વર આ ઉતમ દેશ તને નથી આપતા કેમ કે તમે તો હઠીલી પ્રજા છો.
7 ૭ તમે અરણ્યમાં કેવી રીતે યહોવાહ તમારા ઈશ્વરને કોપ ચઢાવ્યો તે તું યાદ રાખ, ભૂલી જઈશ મા; મિસર દેશમાંથી તમે બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો.
8 ૮ હોરેબમાં પણ તમે યહોવાહને ગુસ્સો કરવા માટે ઉશ્કેર્યા હતા, તે એટલા બધા ગુસ્સે થયા હતા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હોત.
9 ૯ જ્યારે હું શિલાપાટીઓ, એટલે યહોવાહે કરેલી કરારની શિલાપાટીઓ લેવા પર્વત પર ગયો, ત્યારે હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્વત પર રહ્યો; મેં રોટલી ખાધી નહિ તેમ જ પાણી પીધું નહિ.
10 ૧૦ યહોવાહે પોતાની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ મને આપી; જે બધાં વચનો યહોવાહ સભાના દિવસે અગ્નિ મધ્યેથી બોલ્યાં હતા તે તેના પર લખેલાં હતાં.
11 ૧૧ ચાળીસ દિવસ અને ચાળીસ રાત પછી એવું બન્યું કે, યહોવાહે મને બે શિલાપાટીઓ, એટલે કે કરારની શિલાપાટીઓ આપી.
12 ૧૨ યહોવાહે મને કહ્યું, “ઊઠ, અહીંથી જલ્દી નીચે ઊત્તર, કેમ કે, તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો છે તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યાં છે. જે માર્ગ મેં તેઓને બતાવ્યો હતો તેમાંથી તેઓ જલ્દી ભટકી ગયા છે. તેઓએ પોતાના માટે કોતરેલી મૂર્તિઓ બનાવી છે.”
13 ૧૩ વળી યહોવાહે મને કહ્યું, “મેં આ લોકોને જોયા છે; કે તેઓ કેવા હઠીલા લોકો છે.
14 ૧૪ તું મને રોકીશ નહિ, કે જેથી હું તેઓનો નાશ કરીને આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખીશ, હું તારામાંથી તેઓના કરતાં વધારે પરાક્રમી અને મોટી પ્રજા ઉત્પન્ન કરીશ.
15 ૧૫ તેથી હું પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો, ત્યારે પર્વત સળગતો હતો. અને કરારની બે શિલાપાટીઓ મારા હાથમાં હતી.
16 ૧૬ મેં જોયું, તો જુઓ, તમે યહોવાહ તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાના માટે વાછરડાંની મૂર્તિ બનાવી. યહોવાહે જે માર્ગ તમને બતાવ્યો હતો તેમાંથી તમે પાછા ફરી ગયા હતા.
17 ૧૭ ત્યારે મેં પેલી બે શિલાપાટીઓ લઈને મારા હાથમાંથી ફેંકી દીધી. મારી નજર આગળ મેં તેમને તોડી નાખી.
18 ૧૮ યહોવાહની નજરમાં ખોટું કરવાથી જે પાપ કરીને તમે તેમને ગુસ્સો કરવા માટે ઉશ્કેર્યા હતા તે બધાને લીધે હું ફરીથી યહોવાહની આગળ ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઊંધો પડી રહ્યો; મેં રોટલી ખાધી નહિ તેમ જ પાણી પણ પીધું નહિ.
19 ૧૯ કેમ કે યહોવાહ તમારા પર એટલા બધા ગુસ્સે તેમ જ નાખુશ થયા હતા કે તમારો નાશ કરે, એટલે હું ડરી ગયો. પણ યહોવાહે તે સમયે મારી પ્રાર્થના સાંભળી.
20 ૨૦ યહોવાહ હારુન પર પણ ગુસ્સે થયા હતા કે તેનો પણ નાશ કરી નાખત; પરંતુ મેં હારુન માટે પણ તે જ સમયે પ્રાર્થના કરી.
21 ૨૧ મેં તમારાં પાપને, તમે જે વાછરડું બનાવ્યું હતું તે લઈને બાળી નાખ્યું, તે ધૂળ જેવું થઈ ગયું ત્યાં સુધી ટીપીને જમીનમાં ભૂકો કરી નાખ્યું. મેં તે ભૂકાને પર્વત પરથી વહેતા ઝરણામાં ફેંકી દીધો.
22 ૨૨ અને તાબેરાહ, માસ્સા અને કિબ્રોથ હાત્તાવાહમાં પણ તમે યહોવાહને કોપાયમાન કર્યા.
23 ૨૩ જ્યારે યહોવાહે તમને કાદેશ બાર્નેઆથી એવું કહીને મોકલ્યા કે, “જાઓ, મેં તમને જે દેશ આપ્યો છે તેનો કબજો લો,” ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ બળવો કર્યો, તમે તેમનો અવાજ સાંભળ્યો નહિ કે તેમના પર વિશ્વાસ કર્યો નહિ.
24 ૨૪ જે દિવસથી હું તમને ઓળખતો થયો ત્યારથી તમે યહોવાહની વિરુદ્ધ બળવાખોર રહ્યા છો.
25 ૨૫ તેથી હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત યહોવાહની આગળ પડી રહ્યો, કેમ કે તેમણે કહ્યું હતું કે, હું તેઓનો નાશ કરીશ.
26 ૨૬ એટલે મેં યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું, “હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને તમારા લોકોનો, તમારા વારસાનો, જેઓને તમે તમારી મહાનતાથી છોડાવ્યા છે, જેઓને તમે તમારા પરાક્રમી હાથથી મિસરમાંથી બહાર કાઢી લાવ્યા છો, તેમનો નાશ કરશો નહિ.
27 ૨૭ તમારા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને યાદ કરો; આ લોકોની હઠીલાઈ, તેઓની દુષ્ટતા તથા તેઓના પાપની તરફ ન જુઓ.
28 ૨૮ રખેને જે દેશમાંથી તમે અમને બહાર કાઢી લાવ્યા તે દેશના લોકો કહે કે, ‘કેમ કે જે દેશમાં લઈ જવાનું વચન યહોવાહે આપ્યું હતું તેમાં તે લઈ જઈ શકયા નહિ, કેમ કે તેઓ તેઓને ધિક્કારતા હતા, તેઓ તે લોકોને અરણ્યમાં મારી નાખવા માટે બહાર કાઢી લાવ્યા હતા.’
29 ૨૯ તો પણ, તેઓ તમારા લોક તથા તેઓ તમારો વારસો છે, જેઓને તમે તમારી મહાન શક્તિ તથા તમારા લંબાવેલા ભૂજથી દેખાડીને બહાર કાઢી લાવ્યા છો.”