< પ્રેરિતોનાં કૃત્યો 9 >
1 ૧ શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને
2 ૨ તેણે તેની પાસેથી દમસ્કસમાંનાં સભાસ્થાનો પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.
3 ૩ મુસાફરી કરતાં તે દમસ્કસ નજીક પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ સ્વર્ગમાંથી અજવાળું પ્રગટ્યું.
4 ૪ તે જમીન પર પડી ગયો, અને તેની સાથે વાત કરતી એક વાણી તેણે સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
5 ૫ ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? તેમણે કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે;
6 ૬ પણ તું ઊઠ, ને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.
7 ૭ તેની સાથે ચાલનારાં માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ.
8 ૮ પછી શાઉલ જમીન પરથી ઊઠયો; અને તેની આંખો ખૂલી ત્યારે તે કંઈ જોઈ શકયો નહિ. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા.
9 ૯ ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ; અને તેણે કશું ખાધું કે પીધું નહિ.
10 ૧૦ હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો, તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે, અનાન્યા; ત્યારે તેણે કહ્યું કે, પ્રભુ, હું આ રહ્યો.
11 ૧૧ પ્રભુએ તેને કહ્યું કે, ઊઠીને પાધરા નામના રસ્તામાં જા. અને શાઉલ નામે તાર્સસનાં એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે;
12 ૧૨ તેણે દર્શનમાં જોયું છે કે, અનાન્યા નામે એક માણસ અંદર આવીને, તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે.
13 ૧૩ પણ અનાન્યાએ ઉત્તર આપ્યો કે, પ્રભુ યરુશાલેમમાંના તમારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાંનાં મોંથી સાંભળ્યું છે;
14 ૧૪ અને જેઓ તમારા નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા સારુ મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે.
15 ૧૫ પણ પ્રભુએ તેને કહ્યું કે, તું ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારુ એ મારું પસંદ કરેલું પાત્ર છે.
16 ૧૬ કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.
17 ૧૭ ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તેણે ઘરમાં પ્રવેશીને શાઉલ પર હાથ મૂકીને કહ્યું કે, ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તું દેખતો થાય, અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે મને મોકલ્યો છે.
18 ૧૮ ત્યારે શાઉલની આંખો પરથી તત્કાળ છાલાં જેવું કશું ખરી પડ્યું, અને તે દેખતો થયો, અને ઊઠીને તે બાપ્તિસ્મા પામ્યો;
19 ૧૯ તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. પછી તે દમસ્કસમાંનાં શિષ્યોની સાથે કેટલાક દિવસ સુધી રહ્યો.
20 ૨૦ તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે, તે ઈશ્વરના દીકરા છે.
21 ૨૧ જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા કે, જેણે આ નામની પ્રાર્થના કરનારાઓની યરુશાલેમમાં સતાવણી કરી, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે જે અહીં આવ્યો છે, તે શું એ નથી?
22 ૨૨ પણ શાઉલમાં વિશેષ શક્તિ આવતી ગઈ. ઈસુ તે જ ખ્રિસ્ત છે એ ઘણી સાબિતીઓ આપીને દમસ્કસમાં રહેનારા યહૂદીઓને તેણે આશ્ચર્ય પમાડ્યું.
23 ૨૩ ઘણાં દિવસો પસાર થયા પછી યહૂદીઓએ તેમને મારી નાખવાની યોજના ઘડી.
24 ૨૪ પણ તેઓનું કાવતરું શાઉલને માલૂમ પડ્યું. તેઓએ તેને મારી નાખવા સારુ રાતદિવસ દરવાજાઓની ચોકી પણ કરી;
25 ૨૫ પણ તેના શિષ્યોએ રાત્રે તેને ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઉતારી મૂક્યો.
26 ૨૬ શાઉલે યરુશાલેમમાં આવ્યા પછી શિષ્યોની સાથે ભળી જવાની કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા.
27 ૨૭ પણ બાર્નાબાસ તેને પ્રેરિતોની પાસે લઈ ગયો, અને કેવી રીતે તેણે માર્ગમાં પ્રભુને જોયા, અને કેવી રીતે પ્રભુ તેની સાથે બોલ્યા, અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો, એ તેઓને કહી સંભળાવ્યું.
28 ૨૮ અને ત્યાર પછી યરુશાલેમમાં તેઓની સાથે તે અવરજવર કરતો રહ્યો;
29 ૨૯ તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો, અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાની તક શોધતાં હતા.
30 ૩૦ જ્યારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.
31 ૩૧ ત્યારે આખા યહૂદિયા, ગાલીલ, તથા સમરુનમાંનો વિશ્વાસી સમુદાય દ્રઢ થઈને શાંતિ પામ્યો; અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માનાં દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો.
32 ૩૨ પિતર એક સ્થળેથી બીજે સ્થળે ફરતો ફરતો લુદામાં રહેનારા સંતોની પાસે પણ આવ્યો.
33 ૩૩ ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો, અને આઠ વર્ષથી પથારીવશ હતો.
34 ૩૪ પિતરે તેને કહ્યું કે, એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે; ઊઠ, અને તારું બિછાનું ઉઠાવી લે. એટલે તે તરત જ ઊઠ્યો.
35 ૩૫ ત્યારે લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.
36 ૩૬ હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું; તે સ્ત્રી ભલાઈ કરવામાં તથા દાનધર્મ કરવામાં આગળ પડતી હતી.
37 ૩૭ તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી.
38 ૩૮ હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે વ્યક્તિઓને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે, અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહિ.
39 ૩૯ ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ તેને મેડી પર લઈ ગયા; સર્વ વિધવા બહેનો તેની પાસે ઊભી રહીને રુદન કરતી જ્યારે દરકાસ તેઓની સાથે હતી ત્યારે જે અંગરખા તથા વસ્ત્રો તેણે બનાવ્યાં હતા તે તેઓ પિતરને બતાવવા લાગી.
40 ૪૦ પણ પિતરે તે સર્વને બહાર જવાનું કહી, ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી, પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું કે, તાબીથા, ઊઠ; ત્યારે તાબીથાએ પોતાની આંખો ખોલી, અને પિતરને જોઈને તે બેઠી થઈ.
41 ૪૧ પછી પિતરે તેને હાથ આપીને ઊભી કરી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી થયેલી બતાવી.
42 ૪૨ અને આખા જોપ્પામાં દરકાસના ચમત્કારની વાત ફેલાઈ, અને ઘણાંએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.
43 ૪૩ પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ત્યાં તે ઘણાં દિવસ સુધી રહ્યો.