< પ્રેરિતોનાં કૃત્યો 17 >
1 ૧ તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું;
2 ૨ પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની (સભામાં) ગયો, ત્રણ વિશ્રામવારે તેણે ધર્મશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદવિવાદ કર્યો,
3 ૩ પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઊઠવું એ જરૂરનું હતું, (અને એવું પણ કહ્યું કે) જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.
4 ૪ ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.
5 ૫ પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચોકમાંના કેટલાક દુષ્કર્મીઓને સાથે લીધા, ભીડ જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો આગળ બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.
6 ૬ પણ (પાઉલ અને સિલાસ) તેઓને મળ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે, ‘આ લોક કે જેઓએ જગતને ઉથલપાથલ કર્યું છે તેઓ અહી પણ આવ્યા છે.
7 ૭ યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ (નામે) બીજો એક રાજા છે.’”
8 ૮ તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
9 ૯ ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા.
10 ૧૦ પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા.
11 ૧૧ થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા.
12 ૧૨ તેઓમાંના ઘણાંઓએ વિશ્વાસ કર્યો, આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ (વિશ્વાસ કર્યો).
13 ૧૩ પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરની વાત બૈરિયામાં પણ જાહેર કરે છે ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરી મૂક્યા.
14 ૧૪ ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.
15 ૧૫ પણ પાઉલને મૂકવા જનારાંઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથી તેની પાસે વહેલી તકે આવે, એવી આજ્ઞા એમને સારુ લઈને તેઓ વિદાય થયા.
16 ૧૬ અને પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો એટલામાં તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો અંતરાત્મા ઊકળી ઊઠ્યો.
17 ૧૭ તે માટે તે ભક્તિસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, ચોકમાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદવિવાદ કરતો હતો.
18 ૧૮ ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક (મત માનનારા) પંડિતોમાંના કેટલાક તેની સામા થયા, તેઓમાંના કેટલાકે કહ્યું કે, આ ગુપ્ત વાત પ્રગટ કરનાર શું કહેવા માગે છે? બીજા કેટલાકે કહ્યું કે, પારકા ઈશ્વરને પ્રગટ કરનારો દેખાય છે; કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે (નું વચન) પ્રગટ કરતો હતો.
19 ૧૯ તેઓ તેને એરિયોપગસમાં લઈ ગયા, અને કહ્યું કે, જે નવો ઉપદેશ તું કરે છે તે અમારાથી સમજાય એમ છે?
20 ૨૦ કેમ કે તુ અમોને કેટલીક નવીન વાતો સંભળાવે છે; માટે તેનો અર્થ અમે જાણવા ઇચ્છીએ છીએ.
21 ૨૧ (હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ, કંઈ નવા વચન કહેવા અથવા સાંભળવા તે સિવાય બીજા કશામાં પોતાનો સમય ગાળતા ન હતા.)
22 ૨૨ પાઉલે એરિયોપગસની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘આથેન્સના સદ્દગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.
23 ૨૩ કેમ કે જે (દેવ દેવીઓને) તમે ભજો છો તેઓને હું માર્ગોમાં ચાલતા ચાલતા જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર એવો લેખ કોતરેલો હતો કે, “અજાણ્યા દેવના માનમાં;” માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.
24 ૨૪ જે ઈશ્વરે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતાં નથી.
25 ૨૫ અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમ કે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે.
26 ૨૬ તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી.
27 ૨૭ એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમને માટે શોધીને તેમને પામે; પરંતુ ઈશ્વર આપણામાંના કોઈથી દુર નથી.
28 ૨૮ કેમ કે આપણે તેમનામાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, ‘આપણે પણ તેમના વંશજો છીએ.’”
29 ૨૯ હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે.
30 ૩૦ એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી; પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે.
31 ૩૧ કેમ કે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા જગતનો અદલ ન્યાય કરશે; જે વિષે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી કરી આપી છે.
32 ૩૨ હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે મશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.’”
33 ૩૩ એવી રીતે પાઉલ તેઓની મધ્યેથી ચાલ્યો ગયો.
34 ૩૪ પણ કેટલાક માણસોએ પાઉલની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો; તેઓમાં અરિયોપાગસનો સભ્ય દિઓનુસીઅસ, તથા દામરિસ નામની એક સ્ત્રી, તેઓના ઉપરાંત બીજા પણ હતા.