< 2 કાળવ્રત્તાંત 4 >
1 ૧ આ ઉપરાંત તેણે પિત્તળની એક વેદી બનાવી; તેની લંબાઈ વીસ હાથ, તેની પહોળાઈ વીસ હાથ હતી અને તેની ઊંચાઈ દસ હાથ હતી.
2 ૨ તેણે ઢાળેલી ધાતુનો કુંડ પણ બનાવ્યો, તેનો આકાર ગોળ હતો, તેનો વ્યાસ દસ હાથ હતો. તેની ઊંચાઈ પાંચ હાથ હતી અને કુંડનો ઘેરાવો ત્રીસ હાથનો હતો.
3 ૩ એ કુંડની નીચે ચારે તરફ ફરતી બળદના પૂતળાની કળીઓ હતી, એટલે દરેક હાથે દસ કળીઓ પડેલી હતી, કળીઓની જે હારો હતી તે કુંડની સાથે જ ઢાળવામાં આવી હતી.
4 ૪ તે કુંડ બાર બળદની ઉપર ગોઠવેલો હતો. આ બળદોમાંથી ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં મુખ પૂર્વ તરફ, ત્રણનાં મુખ પશ્ચિમ તરફ અને ત્રણનાં મુખ દક્ષિણ તરફ હતાં. કુંડ તેમના ઉપર ગોઠવેલો હતો અને તેમનો સર્વ પાછળનો ભાગ અંદરની બાજુએ હતો.
5 ૫ તેની જાડાઈ ચાર આંગળ હતી, તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં આશરે છ હજાર બેડાં પાણી સમાતાં હતાં.
6 ૬ તેણે વસ્તુઓ ધોવા માટે દસ કૂંડાં બનાવ્યાં; તેણે પાંચને જમણી તરફ અને પાંચને ડાબી તરફ મૂક્યાં; તેઓમાં દહનીયાર્પણને લગતા પદાર્થો ધોવામાં આવતા હતા. કુંડ તો યાજકોને માટે નાહવાધોવા માટે હતો.
7 ૭ તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાનાં દસ દીપવૃક્ષ બનાવ્યાં; તેણે તેમને ઘરમાં પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ મૂક્યાં.
8 ૮ તેણે દસ મેજ બનાવીને ઘરમાં પાંચ મેજ જમણી બાજુએ અને પાંચ મેજ ડાબી બાજુએ મૂક્યાં. તેણે સોનાનાં સો કુંડાં બનાવ્યાં.
9 ૯ આ ઉપરાંત તેણે યાજકો માટેનો ચોક તથા મોટા ચોક બાંધ્યા અને ચોકના દરવાજા બનાવ્યા; તેણે દરવાજાને પિત્તળથી મઢ્યા.
10 ૧૦ તેણે કુંડને સભાસ્થાનની જમણી બાજુએ પૂર્વ તરફના, દક્ષિણની સામે મૂક્યો.
11 ૧૧ હીરામે ઘડા, પાવડા અને ડોયા બનાવ્યા. હિરામ ઈશ્વરના ઘરમાં સુલેમાન રાજા માટે જે કામ કરતો હતો તે તેણે પૂરું કર્યું.
12 ૧૨ તેણે બે સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપરના બે કળશ તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા સારુ બે જાળીઓ,
13 ૧૩ એ બે જાળીને માટે ચારસો દાડમ એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી.
14 ૧૪ તેણે બાજઠો તથા તેના પરનાં કુંડાં પણ બનાવ્યાં.
15 ૧૫ અને એક કુંડ અને તેની નીચે બાર બળદ બનાવ્યા.
16 ૧૬ આ ઉપરાંત હીરામે ઘડા, પાવડા, ત્રિપાંખીયું ઓજાર તથા તેને લગતાં બીજાં કેટલાંક ઓજારો ઈશ્વરના સભાસ્થાનને માટે તથા સુલેમાન રાજાને માટે ચળકતા પિત્તળના બનાવ્યાં.
17 ૧૭ રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા ઝેરેદાહની વચ્ચેની ચીકણી માટીની જમીનમાં ઢાળ્યાં.
18 ૧૮ આ રીતે સુલેમાને ઘણાં પ્રમાણમાં સર્વ પાત્રો બનાવ્યાં; એમાં વપરાયેલા પિત્તળના વજનનો કોઈ હિસાબ નહોતો.
19 ૧૯ સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનાં સર્વ પાત્રો, સોનાની વેદી તથા અર્પિત રોટલીની મેજો પણ ચોખ્ખા સોનાની બનાવી.
20 ૨૦ સૌથી પવિત્ર સ્થળ આગળ સળગાવવા માટે દીપવૃક્ષોને ચોખ્ખા સોનાથી બનાવ્યાં;
21 ૨૧ દીપવૃક્ષોનાં ફૂલો, દીવા, ચીપિયા.
22 ૨૨ ઉપરાંત કાતરો, તપેલાં, ચમચા અને સગડીઓ પણ ચોખ્ખા સોનાનાં બનાવ્યાં. તેમ જ સભાસ્થાનનાં સર્વ પ્રવેશદ્વારો તથા અંદરનું પરમપવિત્ર સ્થાન કે જે સભાસ્થાન છે તે સર્વ પણ ચોખ્ખા સોનાથી બનાવવામાં આવ્યાં હતાં.