< થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 5 >
1 ૧ હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી.
2 ૨ કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે.
3 ૩ કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.
4 ૪ પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે.
5 ૫ તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી.
6 ૬ એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ.
7 ૭ કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.
8 ૮ પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ.
9 ૯ કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે;
10 ૧૦ ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ.
11 ૧૧ માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો.
12 ૧૨ પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો;
13 ૧૩ અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો.
14 ૧૪ વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.
15 ૧૫ સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો.
16 ૧૬ સદા આનંદ કરો;
17 ૧૭ નિરંતર પ્રાર્થના કરો;
18 ૧૮ દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.
19 ૧૯ આત્માને હોલવશો નહિ,
20 ૨૦ પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ.
21 ૨૧ પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો.
22 ૨૨ દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
23 ૨૩ શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.
24 ૨૪ જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.
25 ૨૫ ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.
26 ૨૬ પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.
27 ૨૭ હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.
28 ૨૮ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.