< થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 4 >
1 ૧ તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુના નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું અને ઈશ્વરને પ્રસન્ન કરવા, એ વિષે અમારા તરફથી તમે સાંભળ્યું છે તે પ્રમાણે જેમ તમે ચાલો છો, તેમ જ વધારે અને વધારે ચાલતા રહો.
2 ૨ કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો.
3 ૩ કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો;
4 ૪ તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ,
5 ૫ પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.
6 ૬ તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી.
7 ૭ કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે.
8 ૮ એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ ઈશ્વરનો અનાદર કરે છે, જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે.
9 ૯ પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કશી જરૂર નથી, કેમ કે એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે તમને શીખવ્યું છે.
10 ૧૦ આખા મકદોનિયાના સઘળા ભાઈઓ પર તમે એ પ્રમાણે પ્રેમ રાખો છો; પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે હજી પણ વધારે પ્રેમ રાખો;
11 ૧૧ અને જેમ અમે તમને આજ્ઞા આપી, તેમ તમે શાંત રહેવાને, બીજાઓને કામમાં દખલ ન કરવાને તથા પોતાને હાથે ઉદ્યોગ કરવાને, લક્ષ્ય રાખો;
12 ૧૨ જેથી બહારના લોકોની આગળ તમે સારી વર્તણૂક રાખો અને તમને કશાની અગત્ય રહે નહિ.
13 ૧૩ પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુ: ખી ન થાઓ.
14 ૧૪ જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.
15 ૧૫ કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાના સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.
16 ૧૬ કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે.
17 ૧૭ પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું.
18 ૧૮ તેથી એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.