< 1 કાળવ્રત્તાંત 22 >
1 ૧ પછી દાઉદે કહ્યું, “અહીંયાં, ઈશ્વર યહોવાહનું ભક્તિસ્થાન, ઇઝરાયલ માટેની દહનીયાર્પણની વેદી સાથે થશે.”
2 ૨ દાઉદે ઇઝરાયલમાં રહેતા સર્વ વિદેશીઓને ભેગા કરવાની આજ્ઞા આપી. તેણે તેઓને, ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવા માટે પથ્થર કાપનારાઓ તરીકે નીમી, પથ્થરો કાપવાના કામે લગાડી દીધા.
3 ૩ દાઉદે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોખંડ પૂરું પાડ્યું. તેણે વિપુલ પ્રમાણમાં પિત્તળ પણ પૂરું પાડ્યું,
4 ૪ અને ઢગલાબંધ દેવદારવૃક્ષ પણ એકઠાં કર્યા. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે એરેજવૃક્ષોનાં અસંખ્ય લાકડાં લાવ્યા હતા.
5 ૫ દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન તથા બિનઅનુભવી છે અને યહોવાહ માટે જે ભક્તિસ્થાન બાંધવાનું છે તે ખૂબ ભવ્ય હોવું જોઈએ, જેથી બીજા સર્વ પ્રદેશોમાં તે વિખ્યાત અને શોભાયમાન થાય. તેથી હું તેની તૈયારી કરીશ.” તેથી દાઉદે, પોતાના મૃત્યુ અગાઉ પુષ્કળ તૈયારી કરી.
6 ૬ પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવ્યો અને ઇઝરાયલના ઈશ્વર યહોવાહના ભક્તિસ્થાન બાંધવા માટે તેને આજ્ઞા આપી.
7 ૭ દાઉદે સુલેમાનને કહ્યું “મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાહના નામને માટે, ભક્તિસ્થાન બાંધવાનો મારો ઇરાદો હતો.
8 ૮ પણ યહોવાહે મારી પાસે આવીને કહ્યું કે, ‘તેં ઘણું લોહી વહેવડાવ્યું છે અને તું ઘણાં યુદ્ધો લડ્યો છે. તું મારા નામને માટે ભક્તિસ્થાન બાંધશે નહિ કારણ કે તેં, પૃથ્વી પર, મારી નજર સમક્ષ, ઘણું લોહી વહેવડાવ્યું છે.
9 ૯ જો કે, તને એક પુત્ર થશે જે શાંતિશીલ માણસ હશે. હું તેને ચારેતરફના શત્રુઓથી રાહત આપીશ. તેનું નામ સુલેમાન અપાશે અને તેના રાજ્યકાળ દરમિયાન ઇઝરાયલમાં સુલેહ તથા શાંતિ જળવાશે.
10 ૧૦ તે મારા નામને સારુ ભક્તિસ્થાન બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઈશ. હું ઇઝરાયલ પર તેનું રાજ્ય સર્વકાળ માટે સ્થાપિત કરીશ.’”
11 ૧૧ “હવે, મારા પુત્ર સુલેમાન, યહોવાહ તારી સાથે હો અને સફળ થવા માટે તને સહાય કરો. અને તેમના કહ્યા પ્રમાણે તું ભક્તિસ્થાન બાંધ.
12 ૧૨ યહોવાહે, તને ઇઝરાયલીઓ પર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને ડહાપણ અને વિવેકબુદ્ધિ આપે, જેથી તું તારા ઈશ્વર યહોવાહનો નિયમ પાળે.
13 ૧૩ યહોવાહે, ઇઝરાયલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો આપ્યાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે ત્યારે તું સફળ થશે. બળવાન તથા હિંમતવાન થા. બીશ નહિ કે ગભરાઈશ નહિ.
14 ૧૪ હવે, જો, મેં યહોવાહના ભક્તિસ્થાન માટે પુષ્કળ મહેનત કરીને એક લાખ તાલંત સોનું, દસ લાખ તાલંત ચાંદી, પિત્તળ અને લોખંડ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કર્યા છે. લાકડાં અને પથ્થર એ બધું તને આપું છું. તેમા તું વધારો કરી શકે છે.
15 ૧૫ તારી પાસે ઘણાં પથ્થર કાપનારાઓ, કડિયાઓ, સુથારો અને દરેક કામમાં નિપુણ પુષ્કળ કારીગરો છે,
16 ૧૬ તેઓ સોના, ચાંદી, કાંસા અને લોખંડના ઉપયોગવાળા કામ પણ કરી શકે છે. માટે હવે બાંધકામ શરૂ કરી દે અને યહોવાહ તારી સાથે હો.”
17 ૧૭ પછી દાઉદે, પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા, ઇઝરાયલના સર્વ આગેવાનોને કરીને કહ્યું કે,
18 ૧૮ “યહોવાહ, તમારા ઈશ્વર તમારી સાથે છે અને તેમણે ચારેતરફ તમને શાંતિ આપી છે. પ્રદેશના રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે. યહોવાહ તથા તેમના લોકોની સામે, પ્રદેશ પરાજિત થયો છે.
19 ૧૯ હવે પૂરા હૃદયથી યહોવાહ તમારા ઈશ્વરની ભક્તિમાં મન લગાડો. તૈયાર થઈ જાઓ અને યહોવાહ ઈશ્વર માટે પવિત્રસ્થાન બાંધો. પછી તમે યહોવાહના કરારકોશને અને ઈશ્વરનાં પવિત્ર પાત્રોને યહોવાહના નામે જે ભક્તિસ્થાન બાંધવામાં આવે છે તેમાં લાવો.”