< 1 કાળવ્રત્તાંત 18 >
1 ૧ દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા અને તેઓના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસનાં ગામો પોતાના તાબે કરી લીધાં.
2 ૨ તેણે મોઆબીઓને પણ હરાવ્યા, તેઓ દાઉદના દાસો બનીને તેને કર આપવા લાગ્યા.
3 ૩ એ પછી દાઉદે સોબાહના રાજા હદાદેઝેરને હમાથ આગળ હરાવ્યો અને હદારએઝેર ફ્રાત નદીની આસપાસના જે પ્રદેશ પર પોતાનું નિયંત્રણ સ્થાપવા માગતો હતો તે પર દાઉદે કબજો કર્યો.
4 ૪ દાઉદે તેની પાસેથી તેના એક હજાર રથો, સાત હજાર ઘોડેસવારો અને વીસ હજાર પાયદળ સૈનિકોને કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાના પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના સો રથોને માટે પૂરતા ઘોડાઓનો બચાવ કર્યો.
5 ૫ દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદેઝેરની સહાય કરવા આવ્યા ત્યારે દાઉદે બાવીસ હજાર અરામી સૈનિકોને મારી નાખ્યા.
6 ૬ પછી દાઉદે દમસ્કસના અરામીઓના વિસ્તારમાં લશ્કરો ગોઠવ્યા. તેઓ દાઉદના દાસો બની ગયા અને તેઓ તેને કર આપવા લાગ્યા. દાઉદ જ્યાં કંઈ ગયો ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.
7 ૭ દાઉદ હદાદેઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરુશાલેમમાં લઈ આવ્યો.
8 ૮ વળી દાઉદે હદાદેઝેરના નગરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ પિત્તળ મેળવ્યું તેમાંથી સુલેમાને પિત્તળનો મોટો હોજ, સ્તંભો અને પિત્તળનાં વાસણો ભક્તિસ્થાન માટે તૈયાર કરાવ્યાં.
9 ૯ હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદાદેઝેરને હરાવીને તેના સૈન્યનો સંહાર કર્યો છે,
10 ૧૦ ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદ પાસે સોનું, ચાંદી અને પિત્તળનાં વાસણો લઈને તેને સન્માનવા અને હદાદેઝેરને યુદ્ધમાં હરાવવા બદલ ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ કે, હદાદેઝેરને તોઉ સાથે યુદ્ધ ચાલ્યા કરતું હતું.
11 ૧૧ દાઉદે તે બધાં પાત્રો યહોવાહના સભાસ્થાનની સેવા માટે અર્પણ કર્યા. તે જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી મેળવેલું સોનું ચાંદી પણ તેણે ઈશ્વરને અર્પણ કર્યું.
12 ૧૨ સરુયાના પુત્ર અબિશાયે મીઠાની ખીણમાં અઢાર હજાર અદોમીઓને મારી નાખ્યા.
13 ૧૩ તેણે સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી છાવણીઓ ગોઠવી. બધા અદોમીઓ હવે દાઉદના દાસ બની ગયા. આમ, દાઉદ જ્યાં કંઈ ગયો, ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.
14 ૧૪ દાઉદ આખા ઇઝરાયલ પર રાજ કરતો હતો અને તેના સર્વ લોકોનો ન્યાય કરીને તેમનો ઇનસાફ કરતો હતો.
15 ૧૫ સરુયાનો પુત્ર યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો.
16 ૧૬ અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા શાસ્ત્રી હતો.
17 ૧૭ યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કરેથીઓ અને પલેથીઓનો ઉપરી હતો. અને દાઉદના દીકરાઓ રાજાની સમક્ષ મુખ્ય સલાહકારો હતા.